મોરબી : રામજન્મભૂમિ અયોધ્યા ખાતે આવતીકાલે તા.22ના રોજ પ્રભુ શ્રી રામના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર હોય સમગ્ર દેશ દુનિયા રામમય બની છે ત્યારે મોરબીના અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રભુ શ્રી રામની વિશાળ રંગોળી બનાવવામા આવી છે.સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ એટલે કે તા.22 જાન્યુઆરીનો દિવસ કે જે દિવસ ભગવાન શ્રીરામની અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ચારેબાજુ જય શ્રીરામના નારા ગુંજી રહ્યા છે અને દરેક દેશવાસીઓમાં અનોખો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉજવણી અંતર્ગત મોરબીના સામાં કાંઠે આવેલા અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રીરામની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. મંદિરે દર્શન કરવા આવતા ભક્તો આ રંગોળી નીહાળી અભિભૂત થઈ રહ્યા છે. તેમજ અગનેશ્વર મહાદેવ મંદિર દ્વારા તા. 22 જાન્યુઆરીને સોમવારે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 108 દીપ પ્રાગટ્ય કરવામાં આવશે તેમજ અયોધ્યાથી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે. આ સાથ ઘંટારવ અને શંખનાદ સાથે મહાઆરતી, બાર જ્યોર્તિલિંગની સમૂહ આરતી યોજાશે તેમજ પ્રસાદી વિતરણ કરવામાં આવશે. મોરબીની સર્વ ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અગનેશ્વર મહાદેવ મંદિર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.