મોરબી: યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (UBI)ની મોરબી શાખાના એક ગ્રાહક અજીત રણજીતલાલ પટેલને તેમના પગારનો ચેક બેંક દ્વારા સમયસર જમા ન કરાતાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા ખાતેદાર માંગ કરી છે. અજીત પટેલે યુનિયન બેંકમાં રૂ. 10,710નો ક્લીયરિંગ ચેક તારીખ 03/10/2025ના રોજ જમા કરાવ્યો હતો, જેની રકમ 10 દિવસ સુધી તેમના ખાતામાં જમા થઈ નથી. ગ્રાહકના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે મોરબી શાખાના સ્ટાફ અને મેનેજરનો સંપર્ક કર્યો, ત્યારે તેમને જવાબ મળ્યો કે ચેક તે જ દિવસે હેડ ઓફિસ (H.O.) મરીન ડ્રાઇવ, મુંબઈ ખાતે મોકલી દેવામાં આવ્યો છે અને 'S/B ખાતામાં ક્રેડિટ મોકલવામાં આવી નથી, તેથી અમે કંઈ કરી શકીએ નહીં.'પગારનો ચેક જમા ન થવાને કારણે ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાથી, અજીત પટેલે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મરીન પોઇન્ટ, મુંબઈ ખાતેના મેનેજરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક જવાબ અને તેમના ખાતામાં ક્રેડિટ મોકલવા અપીલ કરી છે. તેમજ શા માટે ખાતામાં રકમ જમા કરવામાં આવી નથી તેવા સવાલો ઉઠાવ્યા છે.