અકસ્માત માટે કુખ્યાત આ માર્ગ ઉપર બે ત્રણ દિવસે જીવલેણ અકસ્માત સર્જાય છે. મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક પાનેલીના ઢાળીયા પાસે આજે ઢળતી સાંજે કાળમુખા ડમ્પરે હડફેટે લેતા પાનેલી ગામના ઉપસરપંચનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. નોંધનીય છે જે સ્થળે અકસ્માત સર્જાયો તે સ્થળ નેશનલ હાઇવે ઉપર અકસ્માત ઝોન તરીકે કુખ્યાત છે અને બે-ત્રણ દિવસે એકાદ જીવલેણ અકસ્માત અહીં સર્જાય છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક પાનેલીના ઢાળીયા પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક પાનેલી ગામના ઉપસરપંચ રમેશભાઈ શિવભાઈ આંતરેશા ઉ.40 પોતાનું મોટર સાયકલ લઈ મોરબીથી પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે-૩૬-ટી-૫૬૭૨ના ચાલકે પાછળથી હડફેટે લેતા ડમ્પર ટ્રક મૃતક રમેશભાઈ ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ પાનેલી ગામના સરપંચ સરપંચ ગૌતમભાઈ કરમસીભાઈ હડિયલ સહિતના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા, વધુમાં મૃતક રમેશભાઈને ત્રણ સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું અને આજે તેઓ મોરબી ખાતે ગાડીનો હપ્તો ભરી ઘેર જતા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.