મોરબીઃ ગઈકાલે રાજ્યભરમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર પરીક્ષા પહેલાં જ લીક થતાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે મોરબી ABVP દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપવાના હતા. પરંતુ પરીક્ષાના થોડા કલાકો પહેલાં જ પેપર લીક થઈ જતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આ પેપર લીક મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા આજ રોજ વિરોધના ભાગરૂપે પ્લેકાર્ડ બતાવી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પેપર લીકની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.