મોરબી : દાદીના માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી 17 વર્ષની કિશોરીનું મોરબી 181 અભયમની ટીમે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.મળતી માહિતી પ્રમાણે 181 અભયમ મહિલા હેલ્પલાઈનને જાગૃત નાગરિક દ્વારા કોલ મળ્યો હતો કે લખધીરપુર ગામમાં રસ્તામાં એક અજાણી યુવતી રડી રહી છે અને આત્મહત્યા કરવાનું કહી રહી છે. જેના પગલે 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠિવાર અને પાયલોટ વિજયભાઈ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા. આ કિશોરીનું કાઉન્સેલિંગ કરીને જાણ્યું હતું કે, દાદી કામકાજ બાબતે ખીજાતા હોય અને અયોગ્ય વર્તન કરતા હોય માનસિક ત્રાસના કારણે દીકરી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ 181 અભયમની ટીમે કિશોરીના ભાઈ સાથે વાતચીત કરીને પરિવારજનોને બોલાવ્યા હતા. અભયમની ટીમે પરિવારજનોને કિશોરી સાથે યોગ્ય વર્તન કરવા જણાવ્યું હતું અને કિશોરીને રાજી-ખુશીથી પરિવાર સાથે મોકલી હતી. આ તકે પરિવારજનોએ પણ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.