મોરબી : પતિ-પત્ની વચ્ચે ઝઘડા બાદ પીડિત પત્નીની વ્હારે આવીને મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું છે. મોરબી 181 અભયમ ટીમને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે એક અજાણી મહિલા ઘણા સમયથી એકલા બેઠા છે અને રડતી હાલતમાં છે તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમની જરૂર છે. માહિતી મળતાની સાથે જ 181 અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાયલોટ મહેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. જ્યાં સૌપ્રથમ પીડિત મહિલાને સાંત્વના આપી વિશ્વાસમાં લઈને પ્રાથમિક માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પતિ સાથે ઝઘડો થતાં તેમના પતિ રસ્તામાં તેઓને એકલા મૂકીને ચાલ્યા ગયા છે. ત્યારબાદ પીડિત મહિલાના જણાવ્યા મુજબના સરનામે પહોંચી તેમના પતિને મળીને પતિનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પત્ની નાની-નાની બાબતોમાં ઝઘડો કરતી હતી. ત્યારબાદ 181 અભયમ ટીમે પતિ-પત્નીને સમજાવી, સલાહ સૂચન, માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપી હતી અને ભવિષ્યમાં ઝઘડા ન કરવા જણાવ્યું હતું. આમ અભયમ ટીમે પીડિત મહિલાનું પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું. અને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા.