નજીવી બાબતે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં જ સીમ વિસ્તારમાંથી દબોચી લીધો મોરબી : મોરબીમાં ગત મોડીરાત્રે પંચાસર રોડ ઉપર યુવાનને ગજની નામના શખ્સે છાતીમાં છરીનો ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. ગાળો આપવાની ના પડતા યુવાનને આ શખ્સે મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ હત્યાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચો લીધો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હરેશભાઈ અજાણા નામના યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ પાસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પિંજારા રે.પંચાસર રોડ વાળા સાથે કોઈ બાબતે બોલાચાલી થતા આરોપી મોહસીન ઉર્ફે ગજની ગાળો આપતો હોય નવઘણભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ગજનીએ ઉશ્કેરાઈ જઈને નવઘણભાઈને છાતીના ડાબા ભાગે ખૂંન્નસ પૂર્વક છરીનો ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે સઘન તપાસ ચલાવીને આજે રાત્રે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પિંજારાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.