બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ બન્ને હત્યારાઓને દબોચી લીધા મોરબી : મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રીક્ષાના ભાડાની તકરારનો કરુણ અંજામ આવ્યો હતો અને રીક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે જ બી ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં બન્ને હત્યારાઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી હતી. આ હત્યાના બનાવની મોરબી બી ડિવિજન પોલીસે મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં વિજયભાઈ શંકરભાઈ અખાડીયા નામના યુવાનની ગત તા.13 ના રોજ રાત્રીના સમયે છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવ અંગે મોરબીના સામાકાંઠે પીપળી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની મલું મોહનસિંગ ભભોરે જી.જે.36 યુ 6265 નબરની રિક્ષામાં આવેલા બે અજાણ્યા શખ્સો સામે બી ડિવિજન પોલીએ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને આરોપીઓ રિક્ષામાં તેમના વિસ્તારમાં આવીને રીક્ષાના ભાડા બાબતે ઝઘડો કર્યા બાદ ઉશ્કેરાય જઈને બન્ને આરોપીઓએ વિજયભાઈ શંકરભાઈ અખાડીયાને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની બી ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી રીક્ષા નંબરના આધારે આરોપીઓની ભાળ મેળવીને હત્યા કરનાર બન્ને આરોપીઓ રાજેશ માધવજી જોગડીયા અને અનિલ અમરસિંગ યાદવ (રહે મૂળ કચ્છ-ભુજ હાલ મોરબી-યોગીનગર)ની ધરપકડ કરી હતી. આ બનાવની બી ડિવિજન પીઆઇ કોઢિયા વધુ તપાસ ચાલવી રહ્યા છે.