યુવાને પાંચ શખ્સો સામે એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીમાં પૈસાની લેતીદેતી મામલે યુવાનનું અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઇકો ગાડીના વેચાણના પૈસાની લેતીદેતી મામલે યુવાનનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી જઈને માર માર્યો હોવાની એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ નિલકંઠ સ્કુલ સામે એપાર્ટમેન્ટમા બ્લોકનં.૮૦૧ માં રહેતા અને કોન્ટ્રાકટનો ધંધો કરતા જયદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૩) એ આરોપીઓ બળવંતસિંહ ઉર્ફે બળુભા ઝાલા તથા તેનો ભાઇ પ્રવિણસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, કિશનસિંહ દરબાર, અમિતભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૬ ના રોજ ફરીયાદીને આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા ઝાલા સાથે ઇકો ગાડીના વેચાણના પૈસા બાબતેની લેતીદેતીનો પ્રશ્ન હોય, તે બાબતનો ખાર રાખી આરોપીઓએ એકસંપ કરી ફરીયાદીને તેમની સ્વીફટ કારમા બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને સાહેદ રાજેન્દ્રસીંહને પાછળ બોલાવી જંગલ જેવા વિસ્તારમા લઇ જઇ ફરીયાદીની સ્વીફટ કાર નંબર જીજે ૩૬ આર ૨૬૧૭ વાળી આપે નહી ત્યા સુધી સાહેદને નહી જવા દઉ તેમ બોલેલ અને લાકડાના ધોકા વડે આરોપીઓએ મુંઢમાર મારી ગાળો આપી હતી. બાદમાં યુવાનનો છુટકારો થતા તેણે આ બનાવની ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.