મોરબી : પંચાસર (શિવનગર)માં રહેતી મહિલા પોતાની પુત્રીના મોપેડ પર બેસીને ભક્તિનગર સર્કલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રક ચાલકે મોપેડને હડફેટે લેતા પુત્રીની પાછળ મોપેડ પર બેસેલી માતા નીચે પડી જતા ટ્રકના તોતિંગ વ્હીલ મહિલા પર ફરી વળતા પુત્રીની નજર સામે જ માતાને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પંચાસર શિવનગરમાં રહેતી માધુરીબેન પ્રવીણભાઈ કવૈયા ઉં. વ.25 તેની માતાને મોપેડ પાછળ બેસાડીને કોઈ કામસર ભક્તિનગર સર્કલ નજીક શનાળા બાયપાસ રોડનું કામ ચાલુ છે એ સ્થળેથી સ્કાય ઇન્ટિરિયર ગેલેરી નામના કોમ્પ્લેક્સ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર GJ 12-BW 6311ના ડ્રાયવરે પુર ઝડપે અને ગફલતભરી રીતે ટ્રક ચલાવી મોપેડને હડફેટે લીધું હતું. આથી માધુરીબેનના માતા મોપેડ પરથી નીચે પટકાયા હતા અને ટ્રકના ડાબી બાજુના વ્હીલ નીચે કચડાયા હતા. આથી મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. ઉક્ત બનાવની નોંધ કરી ટ્રક ડ્રાયવર અજિતકુમાર ઉમેશ્વરસિંગ યાદવ ઉં.વ.45ની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.