મોરબી : મોરબીમાં અવારનવાર અબોલ જીવોને કોઈ કારણસર ઇજા થવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. જેમાં ગૌપ્રેમીઓ કે સંસ્થા ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓને સારવાર આપી જીવતદાન આપતી હોય છે. ત્યારે આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં 1962ની ટીમે તીક્ષ્ણ પતરા વાગવાથી ઘાયલ થયેલ ગાયને 25 ટાકા લઈ જીવ બચાવ્યો છે. મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ મોમાઈ ડેરી સામે એક રખડતી ગાય તિક્ષ્ણ પતરા સાથે અથડાઈ હતી. આથી, આ પતરું ખૂંચી જતા ગાયને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે જાગૃત નાગરિકો સતિષભાઈ અને મિલનભાઈને થતા તેમને 1962 એનિમલ હેલ્પલાઇન નમ્બર પર જાણ કરી હતી. જે બાદ 1962 એનિમલ હેલ્પલાઈનના ડો. તાલિબ હુસેન રાજડ અને પાઇલોટ ધર્મેશભાઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ગાયને બેભાન કરી તેનું ઓપરેશન કર્યું હતું. ગંભીર ઇજા થવાથી ગાયને વધારે લોહી વહી ગયું હતું. જેથી, 25 જેટલા ટાંકા લઈ સફળ ઓપરેશન કરી ગાયનો જીવ બચાવી માનવતા મહેકાવી હતી.