પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે મોરબી : સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી 'કરૂણા અભિયાન' હાથ ધરવામાં આવે છે. ઉતરાયણનું પર્વ માનવ માટે હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે અને લોકોમાં જાગૃતિ કેળવાય તે દિશાઓમાં પ્રયત્નો થાય છે. આ સંદર્ભે 'કરૂણા અભિયાન-૨૦૨૦' અંતર્ગત આજ રોજ જિલ્લા સેવાસદન સભાખંડ, કલેકટર કચેરી-મોરબી ખાતે કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં ચાઇનિઝ દોરાનું વિતરણ કરતા સ્ટોલ ઉપર સરપ્રાઇઝ ચેકીંગ કરી દોરાઓનો નાશ કરવા તેમજ ઉત્તરાયણ બાદ વીજ તારોમાં ફસાયેલા દોરાઓનો નિકાલ કરવા પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સુચના આપી હતી. તેમજ વન વિભાગે સવારના ૯-૦૦ કલાક પહેલા અને સાંજે ૧૭-૦૦ કલાક પછી પતંગો ઉડાવવામાં ન આવે તેવી જાહેર જનતાને અપીલ કરી છે. અને અભિયાન અંગે માહિતી આપી હતી. જયારે મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થાય તો સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષી, નાયબ પોલીસ અધિક્ષક ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, તેમજ ફોરેસ્ટ વિભાગ સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.