મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત 'પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર યોજના' અંતર્ગત મોરબી નગરપાલિકા વિસ્તારમાં માર્ચ 2020 અગાઉ (લોકડાઉન પહેલા) ખરેખર ફેરી સાથે સંકળાયેલા શેરી ફેરીયાઓ કે જેમના સર્વે દરમ્યાન નામની નોંધણી થયેલ ન હોય અને તેઓ હાલ આ યોજના અંતર્ગત રૂ. 10,000ની વર્કિંગ કેપીટલ લોન બેંક મારફત મેળવવા માંગતા હોય તો પોતાની બેંક પાસબુક સાથે જે તે નગરપાલિકાની એન.યુ.એલ.એમ. શાખા ખાતે સંપર્ક કરવાનો રહેશે. લાભાર્થીએ આધારકાર્ડ સાથે લીંક કરેલો મોબાઈલ નંબર સાથે રાખવો જરૂરી છે. મોરબી, વાંકાનેર, હળવદ અને માળિયા તમામ નગરપાલિકામાં આ કામગીરી ચાલુ હોય છે, તે લાભાર્થીઓએ પોતાની લાગુ પડતી નગરપાલિકાનો સંપર્ક કરી, આ યોજના હેઠળ વધુમાં વધુ લોનનો લાભ લેવા મોરબી જીલ્લાના નોડલ ઓફિસર દ્વારા જણાવાયુ છે. અને આ અંગે ઉલ્લેખનીય છે કે મોરબી નગરપાલિકા દ્વારા 270થી વધુ અરજી ફોર્મ આજ સુધીમાં ઓનલાઈન ભરાઈ ગયેલ છે અને 26થી વધુ લોન બેંક દ્વારા મંજુર કરવામાં આવેલ છે. તેમ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા યાદીમાં જણાવાયું છે.