મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને માળીયા તાલુકા પંચાયતના પ્રમુખે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિમાં ભારે તારાજી થઈ હતી.આ અંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકશાની થઈ હતી.પાણીના પુર ખેતરોમાં ફરી વળતા ઉભો પાક નાશ પામ્યો હતો.મોરબી જિલ્લામાં ઠેરઠેર ખેતરોમાં આવી મોટી નુકશાની થઈ છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડી છે એ ઉપરાંત ઘણા લોકોની ઘરવખરી અને પશુઓ પણ તણાઈ જતા મોટી નુકશાની થઈ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,કુદરતી આપતિઓમાં અસરગ્રસ્તોને જે સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે છે.જે હાલના સમય સંજોગ મુજબ યોગ્ય નથી.સરકારે સહાયના હાલના ધારા ધોરણમાં ઉદાર નીતિ અપનાવી જોઈએ.જેમાં સરકાર દ્વારા હાલમાં જે નાણાકીય સહાય ચૂકવાય છે તે ખેતીના હેકટર દીઠ રૂ.13500માંથી વધારીને રૂ.20 હજાર કરવા અને પિયત હેકટર દીઠ રૂ.6800માંથી વધારીને રૂ.15 હજાર કરવા અને ઘરવખરી તથા પશુ સહાયમાં પણ આવી ઉદાર નીંતી રાખવાની માંગ કરી છે. જ્યારે માળીયા તાલુકા પંચાયત પ્રમુખ વિજયાબેન રાઠોડે ડી.ડી.ઓ.ને રજુઆત કરી હતી કે, માળીયા તાલુકામાં અગાઉ પડેલા ભારે વરસાદમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી.આથી તમામ ગામડાઓના ખેતરો ધોવાઈ ગયા હતા અને પાક નિષફળ ગયો હતો.જેથી જે ગામોમાં સૌથી વધુ નુકશાન થયુ હોય એને પ્રથમ અગ્રતા આપી માળીયા તાલુકામાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોને સમાન ધોરણે નુકશાનીનું આર્થિક વળતર ચૂકવવા અને હાલ ફાળવેલી સર્વે ટીમમાં વધારો કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.