ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ નાગરિકતા બીલનો ખોટો વિરોધ કોંગ્રેસ જ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો : રેલીમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો, વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિના સમુદાયો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા મોરબી : મોરબી શહેરમાં આજે નાગરિકતા બીલના સમર્થનમાં વિશાળ જન સમર્થન રેલી નિકળી હતી.મોરબી નાગરિક સમિતિના નેજા હેઠળ નીકળેલી આ રેલીમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો, વિવિધ સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા અને નાગરિકતા કાયદાને જોરદાર સમર્થન કર્યું હતું. મોરબીની વિવિધ જાગૃત સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા નાગરિકતા બીલને જોરદાર સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે નાગરિકતા બીલને લઈને ઉભો થયેલો વિરોધ અને અસમંજસભરી પરિસ્થિતિને દૂર કરવા માટે મોરબીમાં આજે સ્વૈચ્છીક સંગઠનો, લગભગ 48થી વધુ જ્ઞાતિ સમુદાયો, વિવિધ વેપારી-ઔદ્યોગિક સંગઠનો અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશાળ જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટીંગ યાર્ડ પાસેથી નીકળી હતી. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો,તેમજ સેવાભાવી અને જાગૃત સંસ્થાઓ તથા ઉધોગો, વ્યાપારી, વકીલ, તબીબી આલમ, શૈક્ષણિક સહિતના સંગઠનો તથા વિવિધ જ્ઞાતિઓના સમુદાયો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.આ વિશાળ જન સમર્થન રેલી મોરબી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને નહેરુગેટ ચોકમાં પહોંચીને પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન પ્રબુદ્ધ નાગરિકોએ નાગરિકતા બીલ અંગે ફેલાયેલી ગેરસમજને દૂર કરવાનો હકારાત્મક પ્રયાસ કર્યો હતો તેમજ નાગરિકતા બીલ સમગ્ર રાષ્ટ્ના હિતમાં હોવાની બાબતો રજૂ કરીને નાગરિકતા બીલને પ્રચંડ જન સમર્થન આપ્યું હતું. આ રેલીમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા અને હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના દિગજ્જ નેતાઓએ હાજરી આપી હતી. આ વિરાટ રેલી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચ્યા બાદ ત્યાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભરતભાઇ પંડયાએ પોતાના પ્રવચનમાં ક્રોગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું સમગ્ર રાષ્ટ્ના હિતમાં છે અને ત્રણ પાડોશી દેશોમાં રહેતા લઘુમતી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપીને તેમના નાગરિક હક્કોનું રક્ષણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ નાગરિકતા બિલ શરણાર્થીઓને નવજીવન આપનારું છે. તેમ છતાં ક્રોગ્રેસ નાગરિકતા બીલનો ખોટો વિરોધ કરાવીને ભ્રામક પ્રચાર કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ દેશના હિતમાં રોળા નાખતી હોય હવે ગાંધીજીના કહેવા મુજબ એને વિખરી નાખવાનો સમય પાકી ગયો છે. ગાંધીજીએ કોંગ્રેસને વિખરી નાખવાનું કહ્યું હતું. ત્યારે કોંગ્રેસના સ્થાપના દીને આ પક્ષને વિખેરી નાખવાની મીડિયા સમક્ષ વાત કરી હતી.