મોરબી: મોરબી - માળીયા હાઈવે ઉપર આવેલ એક જીનિંગમિલમાં આગ લાગતા ગ્રાઉન્ડમાં પડેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મોરબી - માળીયા હાઇવે સનોરા સીરામીકની નજીક આવેલી આશા ઇન્ડસ્ટ્રીઝ નામની જીનીંગમિલના ગ્રાઉન્ડમાં પડેલ કપાસના ઢગલામાં અને ફિડીંગ બોક્સમાં અચાનક આગ લાગતા બનાવ અંગે નિલેશ જેઠાભાઇ પનારા પટેલ (૩૫) રહે.રવાપર રોડ સરદાર પટેલ સોસાયટી મોરબીવાળાએ બી. ડીવી. પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવની તપાસ માટે ઉક્ત સ્થળે ઘસી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક મોટરમાં કોઈ કારણોસર શોર્ટસર્કિટથી આગ લાગતાં જીનિંગ મિલના મેદાનમાં પડેલા કપાસના ઢગલામાં તેમજ ફિડીંગ બોક્સમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગ લાગવાથી અંદાજે 2.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બનાવ સંદર્ભે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના હેડ.કોન્સ. ફિરોઝભાઈ સુમરાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.