મોરબી : મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીક રોડ ક્રોસ કરતી વખતે વાહન અકસ્માતમાં આધેડનું મૃત્યુ થયું છે. આધેડ દીકરીના લગ્નની કંકોત્રી આપવા જતા હતા, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપુર ગામના રહેવાસી 52 વર્ષીય ગંગારામભાઇ વીરજીભાઈ આંકરીયા દીકરીના લગ્નની કંકોત્રી સગા-વ્હાલાઓને આપવા ધરમપુર ગામે ગયા હતા. ત્યારબાદ ત્યાંથી મોરબીના વીસીપરા વિસ્તારમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે બપોરે 2 વાગ્યા આસપાસ ટીંબડી ગામ નજીક રોડ ક્રોસ કરતા હતા. તે વખતે ડિવાઈડર નજીક વાહન અકસ્માતનો ભોગ બન્યા હતા. અને તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમની સાથે રહેલ અન્ય વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં ટ્રક સાથે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલે ખસેડાયો હતો અને બનાવની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલી છે.