તુલસી અને ગૌમાતાનું મહિમાગાન કરતા વિદ્યાર્થીઓ દ્વારા અદભુત પ્રદર્શની યોજાઈ : દરેક લોકો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઘરમાં તુલસી ક્યારો બનાવીને જતન કરે તે માટે તુલસીના રોપાનું વિતરણ કરાયું મોરબી : પશ્ચિમી સંસ્કૃતિના વાયરા સામે ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ સામે ખતરો ઉદ્દભવ્યો છે. ખાસ કરીને આજે નાતાલની વિશ્વભરમાં પશ્ચિમી સંસ્કૃતિની પ્રણાલી મુજબ ઉજવણી થઈ રહી છે ત્યારે નાતાલની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિની ગરીમા જળવાઈ રહે તે માટે મોરબીની સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તુલસી અને ગૌમાતાનું મહિમાગન કરવા વિદ્યાર્થીઓ દ્વારા અદભુત પ્રદર્શની યોજાઈ હતી. દરેક લોકો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઘરમાં તુલસી ક્યારો બનાવીને જતન કરે તે માટે તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. મોરબીના સામાકાંઠે કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુસર ક્રિસમસની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. તુલસી અને ગૌમાતાનું મહત્વ લોકોમાં જળવાઈ રહે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને તુલસી દિવસ નિમિત્તે વિધાર્થીઓ દ્વારા ખાસ પ્રદર્શની તૈયાર કરવામાં આવી હતી. વિધાર્થીઓમાં તુલસીના મહત્વ વિશે જનજાગૃતિ આવે તે માટે પ્રદર્શન ગોઠવ્યું હતું. જેમાં તુલસીથી માનવ શરીર માટે કેટલું ગુણકારી અને ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક ઘરમાં તુલસી ક્યારો બનાવીને કરતી પૂજા અર્ચના અંગે પ્રદર્શન થકી લોકોને જાગૃત કરાયા હતા. તુલસી દિવસની ઉજવણી નિમિતે આ સ્કૂલમાં વિધાર્થીઓ સાથે તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલા તુલસીની ઉપયોગીતા વિશેના પ્રદર્શન નિહાળ્યું હતું. આ અંગે સ્કૂલના સંચાલક કિશોરભાઈ શુકલે જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ સામે ભારતીય સંસ્કૃતિનું સોહાર્દ જળવાઈ રહે તે માટે આજે નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને પ્રદર્શની તથા ઘરે ઘરે તુલસીનો કાયરો બને અને તુલસીનું પૂજા અર્ચના થાય તથા તુલસીથી થતા ફાયદા અંગે લોકોને જાગૃત કરીને તુલસીના રોપોનું વિધાર્થીઓ અને વાલીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.