ટ્રાફિકથી સતત ધમધમતા માર્ગ ઉપર આખલાઓએ ધમાસાણ મચાવીને વાહનોને ઠોકરે ચડાવ્યા મોરબી : મોરબીના સામાકાંઠે હાઉન્સિગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેર રોડ પર આજે બપોરે આંખલાઓએ દંગલ મચાવ્યું હતું.જેમાં ટ્રાફિકથી સતત ધમધમતા આ માર્ગ ઉપર બે આખલાઓએ ધમાસાણ મચાવીને વાહનોને ઠોકરે ચડાવ્યા હતા જેના પગલે વાહન ચાલકોમાં ગભરાહટ ફેલાયો હતો. મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ પાસે આજે બપોરના સમયે બે આખલાઓ અચાનક ભૂરાયા થયા હતા.અતિશય ભારે ટ્રાફિકથી ધમધમતા મહારાણા પ્રતાપ સર્કલ પાસે અચાનક આ બે આખલાઓ વચ્ચે લડાઈ જામી પડી હતી અને બન્ને આખલાઓ સામસામા શીંગડા ભરાવી કાંટે કી ટક્કરની લડાઈ કરીને ધમાંસાણ મચાવ્યું હતું.આખલાઓની આ કસોક્સની લડાઈથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.જોકે આખલાઓની હડફેટે વાહનો પણ ચડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે.આખલાઓની જાહેર માર્ગ પર લડાઈથી થોડીવાર માટે વાહન ચાલકોમાં નાસભાગ મચી ગઇ હતી અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં રઝળતા ઢોરના ત્રાસનો ધણા સમયથી સળગતો પ્રશ્ન છે અને ઘણા માર્ગો પર છાસવારે આખલા યુદ્ધ થાય છે.જ્યારે પાલિકા તંત્રની અગાઉ ઢોર પકડ ઝુંબેશનું સુરસુરીયું થઈ જતા શહેરીજનોને હવે આખલાઓનો ત્રાસ સહન કર્યા સિવાય છૂટકો જ નથી.