મોરબી: શહેરના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પછાત વર્ગના પ્લોટ ધારકોને લાંબા સમયથી સનદ ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે દલસુખભાઈ મુળજીભાઈ ચૌહાણ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સત્વરે સનદ આપવાની માંગ કરવામાં આવી છે.શું છે સમગ્ર મામલો?રજૂઆત અનુસાર, મોરબી નગરપાલિકા દ્વારા પછાત વર્ગના પ્લોટ ધારકોની માંગણી મુજબ સનદ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે તે સમયે મુખ્યમંત્રીના હસ્તે કુલ લાભાર્થીઓ પૈકી ૧૦૪ લાભાર્થીઓને સનદ એનાયત કરવામાં આવી હતી. જોકે, બાકી રહેલા ૯૦ લાભાર્થીઓને પાછળથી સનદ આપવાનું જણાવાયું હતું.એક વર્ષથી કાર્યવાહી અધ્ધરતાલદલસુખભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે, બાકી રહેલા ૯૦ લાભાર્થીઓએ પોતાના નાણાં ભરી દીધા છે અને સીટી સર્વે સહિતની તમામ જરૂરી કાર્યવાહી અને પુરાવાઓ રજૂ કરી દીધા હોવા છતાં આજ દિવસ સુધી તેમને સનદથી વંચિત રાખવામાં આવ્યા છે. અગાઉ ૧૮-૦૨-૨૦૨૫ ના રોજ કરેલી રજૂઆત બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી, પરંતુ એક વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.આથી, રહીશો દ્વારા ફરી એકવાર કલેક્ટર કચેરીમાં ન્યાયની ગુહાર લગાવાઈ છે અને આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જાણ કરવામાં આવી છે જેથી ગરીબ અને પછાત વર્ગના લોકોને વહેલી તકે તેમના હકની સનદ મળી શકે.