ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાકણાની હડફેટ ચડો તો હાથ પગ ભંગાવાની ગેરેન્ટી મોરબી : મોરબી પાલિકાના ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા શહેરીજનો માટે અનોખી ઈનામી યોજના અમલમાં મુકવામાં આવી છે અહીંના લાતીપ્લોટ વિસ્તારમાં નિકળે અને બેધ્યાન રહે તેવા નાગરિકોને મોતની અને વાહનની હડફેટ ચડે ને ગટરમાં ખાબકે તો હાથ - પગ ભાંગવાની ગેરંટી પણ આપવામા આવી છે. તાલુકામાંથી જિલ્લો બનેલ મોરબી શહેર નગરપાલિકાના પાપે સ્માર્ટ સિટીને બદલે સ્માર્ટ આધુનિક ગામડામાં ફેરવાઈ રહ્યું છે, સ્વચ્છતાની ગુલબાંગો ફૂંકતા પાલિકા તંત્રની લાપરવાહીથી ભૂગર્ભ ગટરો ઉભરાવવાની વિકરાળ સમસ્યા બાદ હવે લાતીપ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણ ખુલ્લા મૂકી લોકો માટે જોખમ સર્જવામાં આવી રહ્યું છે. લાતીપ્લોટના મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના ઢાંકણ ખુલ્લા છોડી દેવતા વાહનચાલકો અને અબોલજીવ ભોગ બની રહ્યા છે જો કે, નાગરિકો દ્વારા આવા ખુલ્લા ઢાંકણ જ્યા જ્યાં છે ત્યાં ટાયર મૂકી લોકોને સચેત રહેવા નિશાનીઓ મુકવામાં આવી છે. પરંતુ વરસાદ આવે ત્યારે ભરચક પાણીમાં આ ગટરના ખુલ્લા ઢાંકણ ન દેખાતા નિર્દોષ નાગરિકના મોત થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ સંજોગોમાં લોકોને દંડવા નીકળતા પાલિકાના સતાધીશો આ મોતના કુવા જેવા ભૂગર્ભના ઢાંકણ ફિટ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.