જુના દેવળીયા અને નવા દેવળીયાની ચાર શાળાઓમાં ચાલુ વર્ષે વિધાર્થીઓ માટે અવનવી પ્રવૃતિઓ હાથ ધરાશે મોરબી : હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એડવાન્સડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક દ્વારા જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળા, જૂના દેવળીયા કન્યા પ્રા. શાળા, નવા દેવળીયા પ્રા. શાળા તેમજ નવા દેવળીયા પ્લોટ પ્રા. શાળા માં પ્રવેશોત્સવ માં નવા દાખલ થતાં બધા વિધાર્થીઓને એજ્યુકેશન કીટ તથા ઓરલ હેલ્થ કેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં એજ્યુકેશન કીટના દાતા રવિચંદ જેસ્વાણી તથા કે. એલ. માહેશ્વરી (પ્રમુખ, રોટરી કલબ - કાંકરીયા, અમદાવાદ) અને ઓરલ હેલ્થ કેર કીટના દાતા ડૉ. મિલન ઉઘરેજા (એડવાન્સડ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક, મોરબી)નો હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે મોરબીના સહાયક વાણિજ્ય વેરા કમિશનર વી. એમ. ગોરાવાળાએ હાજરી આપી બાળકોને બન્ને કીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમને જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળા પ્રિન્સિપાલ સાગર ભાઈ મહેતાએ તેની જહેમત થી સફળ બનાવ્યો હતો. એજ્યુકેશન કીટમાં પાટી, પેન, કંપાસ, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી તથા દેશી હિસાબના પુસ્તક નો સમાવેશ કરવામાં આવેલ. જ્યારે ઓરલ હેલ્થ કેર કીટ માં ટુથબ્રશ, મેડિકેટેડ ટૂથપેસ્ટ તથા ટંગ ક્લીનર - ઉલિયું આપવામાં આવેલ. હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીએ વધુમાં જણાવેલ કે આ ૪ શાળામાં ચાલુ વર્ષે રમત ઉત્સવ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, લેખન સ્પર્ધા, નિયમિત બાળક, કલા ઉત્સવ, ક્વીઝ, ગરબા મહોત્સવ, શિક્ષકદિન, પતંગ ઉત્સવ, રમત ગમત સ્પર્ધા જેવી પ્રવૃતિઓ પણ હાથ ધરવામાં આવશે. જેથી સરકારી શાળામાં ભણતા બાળકોને વધુ પ્રોત્સાહન આપી શકાય.