મોરબી : મોરબી જિલ્લામાં હાલની ચોમાસાની સીઝનમાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢના દિવસો કોરા ધાકડ પસાર થઈ રહ્યા હોવાથી લોકો ચિંતાતુર થઈ ગયા છે અને મેઘરાજાને મનાવવા રીતસર કાલાવાલા કરી રહ્યા છે. ત્યારે મોરબીના બેલા-રંગપર ગામે લોકો 24 કલાકની અખંડ રામઘુન બોલાવીને મેઘરાજાને મન મુકીને વરસી પડવા કાકલૂદી કરી રહ્યા છે. મોરબીના બેલા-રંગપર ગામે વરુણદેવને રીઝવવા માટે ગામલોકો દ્વારા 24 કલાકની અખંડ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.ગામલોકો અખંડ રામઘુન બોલાવીને મેઘરાજાને મન મુકીને વરસી પડવાની પ્રાર્થના કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અપૂરતો વરસાદ પડ્યા બાદ આ વખતની વરસાદની સીઝનમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત થઈ ગયા છે.હજુ સુધી સામાન્ય વરસાદ જ પડ્યો હોય અને મોટાભાગના ગામોમાં વાવણી બાકી હોવાથી ઠેરઠેર રામઘુન યોજીને મેઘરાજાને રૂષણા છોડીને મન મુકીને વરસી પડવા લોકો અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.