પરિવારની પ્રેરણાદાયી પહેલને આવકારી અનેક લોકોએ કર્યું રક્તદાન મોરબી : મોરબીના એક નિવૃત અધિકારી બ્લડ કેન્સરના કારણે વફાત પામ્યા હતા. બાદમાં આજરોજ તેઓનું બેસણું યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું. મોરબી માર્ગ મકાન વિભાગના નિવૃત સેક્શન ઓફિસર મર્હુમ નઝીરભાઈ અબ્દુલભાઇ લશ્કરી ગત તા. ૬ના રોજ વફાત પામ્યા હતા. તેઓ છેલ્લા ૩ માસથી બ્લડ કેન્સરના રોગથી પીડાતા હતા. જેથી પરિવાર બ્લડ કેન્સરના રોગથી બરાબર રીતે પરિચિત હતો. જેથી મર્હુમ નઝીરભાઈના બેસણા દરમિયાન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજવાનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના આયોજન મુજબ આજે મર્હુમ નઝીરભાઈનું બેસણું યોજવામાં આવ્યું હતું. સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં ૩૦ જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું.