મોરબી : મોરબી 181 અભયમ ટીમ દ્વારા રાજકોટમાંથી એક બાળક સાથે અર્ધનશાની હાલતમાં મળેલ મહિલાને સહીસલામત ઘરે પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ગત તા. 16 જાન્યુઆરીના રોજ મોરબી 181 અભયમ ટીમને ત્રાહિત વ્યક્તિ તરફથી કોલ આવેલ હતો કે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાંથી મળી આવેલ માનસિક રીતે અસ્વસ્થ મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા લોકો દ્વારા લાવવામાં આવેલ છે. આ માહિતી મળતાં મોરબી 181 અભયમ ટીમ રાજકોટ પહોંચી હતી. અભયમ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા તે મહિલા અર્ધનશાની હાલતમાં હોય તેવું જણાઈ રહ્યું હતું. અભયમ ટીમે મહિલાની પૂછપરછ કરતા મહિલા ઘરે કહ્યા વિના સવારથી નીકળી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલા પાસે જામનગરમાં રહેતા તેના પિયરના પડોશીના કોન્ટેક્ટ નંબર હતા. તેના આધારે પડોશીનો સંપર્ક કરી મહિલાના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તેઓ થકી મહિલાના પતિ અને સાસુ-સસરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ પાસેથી જાણવા મળ્યું હતું કે મહિલાનો પતિ મોરબીમાં વ્યવસાય અર્થે રહે છે. તેઓ તાત્કાલિક રાજકોટ ના આવી શકે તેમ હોવાથી રાજકોટ રહેતા સંબંધીના ઘરનું સરનામું મેળવી મહિલા અને બાળકને સહીસલામત ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં મોરબી 181 અભયમ ટીમના કાઉન્સેલર ભટ્ટી પિંકી, કોન્સ્ટેબલ હેતલબેન તથા પાઇલોટ વિશાલભાઈ જોડાયેલા હતા.