પતિ સાથેની રકઝકમાં ઘરેથી નીકળી ગયેલી પરિણીતાને સમજાવીને ઘરે પહોંચાડીમોરબી : મોરબી સીટી વિસ્તારમાં એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી હોવાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ મહિલાની મદદ માટે 181 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.સ્થળ પર હાજર નાગરિકે જણાવ્યું હતું કે આ મહિલા ઘણા સમયથી ગુમસુમ બેઠી છે અને પૂછવા છતાં કશું જણાવતી નથી. ત્યારબાદ 181 ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવીએ મહિલાને સાંત્વના આપી સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પતિ સાથે રકઝક થવાથી તે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી.ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપી આવી રીતે ક્યારેય ઘરેથી ન નીકળવા માટે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમ દ્વારા મહિલાના જણાવેલા સરનામે જઈ તેના પતિનું પણ કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. પતિએ જણાવ્યું હતું કે તેણે આજુબાજુના વિસ્તારમાં પત્નીની શોધખોળ કરી હતી અને ભાળ ન મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ નોંધાવી હતી, જેને લઈને તેઓ ખૂબ જ ચિંતિત હતા.181 ટીમ દ્વારા પતિને પણ યોગ્ય સલાહ-માર્ગદર્શન આપી પત્ની જોડે ઝઘડા ન કરવા અને હવે પછી તેનું ધ્યાન રાખવા સમજાવવામાં આવ્યા હતા. મહિલાએ પણ ખાતરી આપી હતી કે હવે પછી તે પતિને જાણ કર્યા વગર ક્યારેય ઘરની બહાર નીકળશે નહીં અને રાજીખુશીથી પતિ સાથે રહેશે.આમ, 181 ટીમના પ્રયાસોથી મહિલાનું તેના પતિ સાથે સુખદ મિલન થયું હતું. પત્ની સહીસલામત ઘરે પરત ફરતા પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #181Abhayam #WomenHelpline #MorbiNews #Gujarat #AbhayamTeam