યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા અનેરું આયોજન મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી અને નીલકંઠ વિદ્યાલય દ્વારા સ્વતંત્રપર્વ પૂર્વે લોકોમાં દેશભક્તિનની આહલેક જગાવવા આવતીકાલે મોરબીમાં 2250 ફૂટ લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નેશનલ ફ્લેગમાર્ચ યોજવા તડામાર તૈયારી શરૂ કરી છે. મોરબી શહેરમાં આવતીકાલે 14 ઓગસ્ટએ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. યુવાનોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે સતત પ્રયત્નશીલ યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા પહેલી વાર કહી શકાય તેવી નેશનલ ફ્લેગમાર્ચ યોજવા નક્કી કર્યું છે. જેમાં 2250 ફૂટ એટલે કે લગભગ પોણો કિલોમીટરની લંબાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજની યાત્રા યોજવામાં આવી છે. નેશનલ ફ્લેગ માર્ચ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે મોરબીમાં આવતીકાલે સવારે લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના જાગૃત કરવાના પ્રયાસરૂપે અમારો નાનકડો પ્રયાસ છે જેમાં આવતીકાલે ૬૦૦ વિદ્યાર્થીઓ પોણો કિલોમીટર જેટલા લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નેશનલ ફ્લેગ માર્ચ યોજશે. જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે નોમિનેટ કરવામાં આવશે. નીલકંઠ વિદ્યાલયના જીતુભાઇ વડસોલાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત યોજાઈ રહેલી આ નેશનલ ફ્લેગમાર્ચ ઇતિહાસ રચશે આ કાર્યમાં સહભાગી થવાનો અમને ગર્વ છે. આ નેશનલ ફ્લેગમાર્ચ 14 ઓગસ્ટને મંગળવારે સવારે 9 વાગ્યે નીલકંઠ વિદ્યાલય રવાપર રોડથી નીકળી નવા બસસ્ટેડ પહોંચશે ત્યાંથી ગાંધીચોક, ત્યાંથી રવાપર રોડ થઈ ફરી નીલકંઠ વિદ્યાલય પહોંચશે. આ ફ્લેગ માર્ચમાં મોરબીના નગરજનોને જોડાવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.