ઓવરબ્રિજના લોકર્પણ પૂર્વે જ પુલમાં ગાબડાં પડતા આશ્ચર્ય મોરબી : મોરબી નેશનલ હાઇવે પર મહેન્દ્રનગર ચોકડી નજીક નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્માણ કરાયેલા ઓવરબ્રિજના લોકાર્પણ પૂર્વે જ પુલમાં મસમોટા ગાબડાં પડવાની સાથે ડામર ઉખડી જતા ઓવરબ્રિઝ નિર્માણ થયેલો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છેલ્લા ઘણા સમયથી મોરબી નેશનલ હાઇવે પર મહેન્દ્રનગર ચોકડી નજીક ટ્રાફિક પ્રશ્ન હલ કરવા ઓવરબ્રિઝનું નિર્માણ કાર્ય હાથ ધર્યું હતું અને છેલ્લા બે મહિનાથી આ પુલનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે પરંતુ રાજકીય મહાનુભાવોને આ પુલનું લોકર્પણ કરવા સમય મળ્યો નથી. બીજી તરફ લોકર્પણ વગર જ આ ઓવરબ્રિજ પરથી વાહનોનું આવગમન પણ શરૂ થઈ ગયું છે પરંતુ અત્યંત મજબૂત બનાવવામાં આવેલા મહેન્દ્રનગર ચોકડીના આ બ્રિજના લોકાર્પણ પૂર્વે જ ડામરના પોપડા ને પોપડા ઉખડી જતા આ માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ઓણ સાલ એટલો વરસાદ પણ નહિ પડ્યો હોવા છતાં આ ઓવરબ્રિજના ડામર કામની પોલ છતી થઈ જતા માત્ર ભ્રષ્ટાચાર જ નહીં નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓની ખીર ટોપર જેવી નીતિ પણ ઉજાગર થઈ છે.