મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીમાં શિક્ષકોને રોકી દેવામાં આવતા મિશન વિદ્યા અંતર્ગત ચાલતા એક્સ્ટ્રા વર્ગને અસર થવાની ફરિયાદ મોરબી : મોરબીમાં હાલ પ્રાથમિક શાળાઓમાં મિશન વિદ્યા ચાલી રહ્યું છે. તેવામાં મોરબી તાલુકાના ૩૦૦ પ્રાથમિક શાળાઓન શિક્ષકોને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમમાં રોકી દેવામાં આવતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં જોતરી દેવામાં આવતા તેની અસર મિશન વિદ્યા અંતર્ગત ચાલતા એક્સ્ટ્રા વર્ગ પર પડશે તેવી ફરિયાદ ઉઠવા પામી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં વાચન લેખન અને ગણનમાં કચાસ ધરાવતા બાળકો માટે સમગ્ર રાજ્યની સાથોસાથ મોરબીની તમામ શાળાઓમાં સવારે ૧૦ વાગ્યાથી ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્ય થઈ રહ્યું છે અને દરરોજ રાજ્ય ક્ક્ષાના સચિવ થી માંડી કલેકટર વગેરે કોઈ ને કોઈ ઉચ્ચ અધિકારી શાળાની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે તા.૭ ના રોજ મહિલા સશક્તિ કરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત શહેરી વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓની તમામ ૩૦૦ જેટલી શિક્ષિકાઓને નગરપાલિકાના ટાઉન હોલ ખાતેના કાર્યક્રમ માં રોકી દેવાતા રોષની લાગણી ફેલાઇ છે રાજ્ય કક્ષાએ થી સૂચના આપવામાં આવેલ છે કે જ્યાં સુધી મિશન વિદ્યા ચાલુ રહે ત્યાં સુધી શિક્ષકોને અન્ય કામગીરી સોંપવી નહિ,હજુ હમણાં જ વિશ્વ વન દિવસની કામગીરી પણ સોંપવામાં આવેલ એ પુરી થઈ ત્યાં આ બીજી કામગીરી સોંપતા શિક્ષકોમાં ખુબજ કચવાટ જોવા મળી રહ્યો છે. વારંવાર અનેકવિધ કામગીરીમાં શિક્ષકોને રોકી રાખવામાં આવે છે અને પછી નબળા પ્રાથમિક શિક્ષણ માટે શિક્ષકોને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. ત્યારે શિક્ષકોને આ પ્રકારની કામગીરીમાં સમાવવામાં ન આવે તેવી માંગ ઉઠી છે.