મોરબી : મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મોરબી ખાતે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ટાઉનહૉલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરકારની જુદી જુદી યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજય સરકાર દ્વારા તા. ૧-૮-૧૮ થી ૧૪-૮-૧૮ સુધી નારિશકિતના સામર્થ્યને વિકાસમાં જોડવા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ગરીબ પરિવારોને કૌશલ્ય વિકાસ સહ ટકાઉ આજીવિકા સાથે જોડવાના મહત્વાકાંક્ષી હેતુને સિધ્ધ કરવાના ભાગરૂપે સરકારની વિવિધ આજીવિકાલક્ષી યોજનાઓનું માર્ગદર્શન મળી રહે એ હેતુસર મોરબી ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ ની ઉજવણી કલેકટર આર.જે. માકડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરે દિપ પ્રગટાવી પ્રવચનમાં જણાવ્યું હતું કે મહિલાઓ પણ રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઇ પગભર ઉભી રહી રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપે તે માટે સરકારશ્રીના દરેક વિભાગ ચીંતા કરે છે. ત્યારે બહેનો સરકારની યોજનાનો લાભ લઇ તેમજ તમારા પાડોશીઓને યોજનાનો લાભ લેવા માહિતગાર કરવા સૂચનો કર્યા હતા. વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે બહેનોમાં રહેલ કૌશલ્યને સ્વાવંલબન દ્રારા તેમના કુટુંબને આગળ લઇ જવામાં મદદરૂપ બનશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે પુરૂષો કરતા સ્ત્રીઓ સામાજીક જવાબદારી વધુ નિભાવે છે ત્યારે સ્ત્રીઓ પણ આર્થીક રીતે વધુ પગભર થાય તે માટે સરકાર દ્રારા સખીમંડળની રચના કરી તમને આર્થીક મદદ કરી ધેર બેઠા બહેનો રોજગારી મેળવી શકે તે માટે બહેનોના તાલીમ વર્ગો ગોઠવીને તાલીમ બધ્ધ કરી તેમના કૌશલ્યને બહાર લાવવાના સરકારના પ્રયત્નો રહયા છે.