મોરબીમાં રાત્રીના પ્રદુષણ ફેલાવવાની મનાઈ દિવસે છૂટ ? વિચિત્ર જાહેરનામું : સિરામિક ઉદ્યોગો, પેપરમિલ અને સનમાઈકા ઇન્ડસ્ટ્રી દ્વારા ટેન્કર ટ્રક મારફતે ઘન - પ્રવાહી કચરાના નિકાલ મામલે અધકચરું જાહેરનામું પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ૩ જુલાઈએ લખાયેલા સ્ફોટક પત્ર બાદ માત્ર બે મહિના માટે રાત્રીના સમયે આવી પ્રવૃત્તિ પર રોક લગાવતું જાહેરનામું અમલી બનાવાયું મોરબી : મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગો, પેપરમિલ અને સનમાઈકા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ અને સમગ્ર મનુષ્યજાતિ અને પશુઓ માટે અત્યંત જોખમી કહી શકાય તેવો કેમિકલનો કદળો, ધન કચરો તેમજ અન્ય જોખમી પદાર્થો ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવી રહ્યા છે ત્યારે અધિક જિલ્લા કલેકટર કેતન જોષી દ્વારા વિચિત્ર અધકચરું જાહેરનામું બહાર પાડી વાહન દ્વારા માનપડે ત્યાં ઠલવાતા આવા કૃત્યોને કાબુમાં લેવા રાત્રીના સમયે જ આવા કચરાવહન કરતા વાહનોને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે. સરકારી તંત્ર સાથે સાઠ ગાંઠને કારણે મોરબી શહેર અને જિલ્લામાં જોખમી કેમિકલોનો જાહેરમાં ખુલ્લે આમ નિકાલ કરનાર વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી ત્યારે તા. ૨૩ જુલાઈના રોજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી કેતન.પી.જોશીએ એક ખાસ જાહેરનામું બહાર પાડી આવી પ્રવૃત્તિને પ્રતિબંધિત જાહેર કરી કાનૂની કાર્યવાહી કરવા ચેતવણી આપી છે. આ જાહેરનામું અક્ષરશ : આ મુજબ છે, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ , મોરબી ના તા,૩/૭/૨૦૧૮ ના પત્રથી જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં વિવિધ પ્રકારના એકમો જેવા કે, સિરામીક એકમો, પેપરમિલો, લેમિનેટ શીટના કારખાના, ફીટ મેન્યુ. એકમો તથા સોડિયમ સિલિકેટ ના એકમો નેશનલ હાઈવે ઉપર તથા તેના એપ્રોચ રોડ જવા કે, પીપળી રોડ, ધુંટુ રોડ, જુના ધુંટુ રોડ, લખઘીરપુર રોડ, માટેલ રોડ, સરતાનપર રોડ, જાંબુડીયા રોડ, હળવદ રોડ વગેરે પર કાર્યરત છે. સદર કંપનીઓમાંથી નીકળતાં ગંદા પાણી, ટેરીવેસ્ટ , પ્લાસ્ટિક વેસ્ટ તથા અન્ય જોખમી ઘન કચરાઓનો નિકાલ આસપાસની જમીન તથા કુદરતી પાણીના સ્ત્રોતમાં કરી કુદરતી પાણીના સ્રોતને પ્રદૂષિત કરવાનું દુષ્કૃત્ય થતું હોવાનું તેમજ સદર કૃત્ય ખાસ કરીને રાત્રિના સમયે કરતાં હોવાનું ઘ્યાનમાં આવેલ છે. જેથી, મોરબી-રાજકોટ નેશનલ હાઈવે તેમજ મોંરબી-ક'ડલા હાઈવે ૫૨ ઉપર દર્શાવ્યા મુજબના એપ્રોચ રોડ ઉપર ગંદા પાણી, ટેરીવેરટ, પ્લાસ્ટિક વેસ્ટ તથા અન્ય જોખમી ઘન કચરાના વહન માટેના ટેન્કરોની અવરજવર ઉપર રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૫ .૦૦ કલાક દરમિયાન પ્રતિબંધ મૂકવો આવશ્યક જણાય છે. ( તો શું દિવસે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ નહીં થાય ) જેથી હું, કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવ્યા મુજબના વિસ્તારમાં તા…૨૩/૦૭/૨૦૧૮ ચી તા.૨૨/૦૯/૨૦૧૮ ના સમયગાળા માટે રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૫.૦૦ કલાક દરમિયાન ગંદા પાણી, ટેરીવેસ્ટ , પ્લાસ્ટિક વેસ્ટ તથા અન્ય જોખમી ઘન કચરો વહન કરતાં ટેન્કર તથા તેના જેવા અન્ય તમામ વાહનોની અવરજવર પ્રતિબંધ ફરમાવું છું. આ જાહેરનામા હેઠળ પ્રતિબંધિત જાહેર કરાયેલા વિસ્તારો મોરબી જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે તથા તેના એપ્રોચ રોડ જેવા કે, પીપળી રોડ, ઘૂંટુ રોડ, જુના ધુંટુ રોડ, લખઘીરપુર રોડ, માટેલ રોડ, સરતાનપર રોડ, જાબુંડિયા રોડ, હળવદ રોડ વગેરે સહિતનૉ વિસ્તાર શિક્ષા આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતા-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. આ હુકમની જાહેરાત ઉપર નિર્દિષ્ટ કરેલ વિસ્તારમાં પોલીસ દ્વારા લાઉડ સ્પીકર વાહનો દ્વારા પ્રસારિત કરીને તથા જાહેરમાં જોઈ શકાય તેવી જગ્યાએ તેની નકલો ચોંટાડીને તથા સ્થાનિક વર્તમાનપત્રો અને ગુજરાત રાજયના અસાધારણ રાજયપત્રમાં જાહેર કરીને પ્રસિદ્ધ કરવાનું ફરમાવું છું. જો કે આવા જાહેરનામા પ્રસિદ્ધ કરવાથી પ્રદુષણ ઓકતા એકમોને કશો ફરક પડતો નથી, પોતાના કરેલા કૃત્યોનું પૈસાના જોરે અન્યો પર દોષારોપણ કરતા ઉદ્યોગો પર એકવાર કડક કાનૂની કાર્યવાહી થાય તો જ આવી હીન પ્રવૃતિઓ અટકી શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.