ઝેરી અસર યુક્ત ખોરાક ખાવાથી પશુઓના મોત થવાની શંકા ઉઠ્યા છતાં તંત્રએ તપાસ ન કરી ! મોરબી : મોરબી તાલુકાના બરવાળા ગામે થોડા સમય પહેલા 20 થી વધુ ગૌવંશના મોત નિપજ્યાની કરુણ ઘટના બહાર આવી હતી.જેમાં આ ગોવંશના ઝેરી અસર યુક્ત ખોરાક ખાવાથી મોત થયાની શંકા ઉઠવા છતાં જવાબદાર તંત્રએ આ બનાવની તપાસ ન કરીને હાથ ઊંચા કરી દીધા હતા.તેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બરવાળાની ઘટનાની તલસ્પર્શી તપાસ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે,મોરબીના બરવાળા ગામે તાજેતરમાં 20 થી વધુ ગોવંશના મોત કરુણ મોત નિપજ્યા હતા અને બનાવ વખતે જ આ મૃતક પશુઓની હાલત જોતા ઝેરી દવા વાળો ખોરાક ખાવાથી આ પશુઓના મોત નિપજ્યા હોવાની શંકા ઉદભવી હતી.પરંતુ જવાબદાર તંત્રએ આ ગંભીર ઘટનામાં આ દિન સુધી યોગ્ય રીતે તપાસ કરી નથી જેથી આ અબોલ પશુઓના મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.જોકે આ ગંભીર બનાવનો ઢાંકપીછોડો કરવો યોગ્ય નથી અને આ ઘટનાની યોગ્ય તપાસ ન કરાઇ તો ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બનતી રહેશે.જે અબોલ પશુઓ હિત માટે યોગ્ય નથી.આથી બરવાળાની ઘટનામાં તેમણે તટસ્થ અને તલસ્પર્શી તપાસ કરવાની જવાબદાર તંત્ર સમક્ષ માંગ કરી છે.