હોળીની જ્વાળા વાયવ્યમાં જતા અંબાલાલ પટેલની આગાહી મોરબી : હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવાની વર્ષોથી પરંપરા રહેલી છે ત્યારે ગઈકાલે માવઠાના માહોલ વચ્ચે મોરબી સહીત રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોલિકા પ્રજ્વલન બાદ ગઈકાલે હોળીની જ્વાળા વાયવ્યમાં જતા જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી ચોમાસુ તોફાની રહેવાની અને વાવાઝોડા સાથે વરસાદ આવવાની આગાહી કરી હતી. હિન્દૂ શાસ્ત્ર મુજબ હોલિકા દહન સાથે હોળીની જ્વાળાઓ જોઈને આગામી ચોમાસાનો વરતારો કાઢવામાં આવે છે, હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ગઈકાલે હોળીની જ્વાળા જોઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સારૂ રહેશે.આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે. આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે.એકંદરે વર્ષ સારૂ રહેશે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી નથી.વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધશે તેવું અંબાલાલ પટેલે કહ્યું હતું.