મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં એક કેસ નોંધાયા : કુલ કેસ થયા 257 : ગઈકાલે રાત્રીના પોઝિટિવ આવેલ હળવદના બે દર્દીનો મોરબી જિલ્લાની સરકારી યાદીમાં સમાવેશ ન કરાયો મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે એક સાથે 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીના 7, હળવદના 3 અને વાંકાનેરમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજે બે દર્દીના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 5 લોકો સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં આજે કોરોનાના 11 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં મોરબીમાં વાવડી રોડ પર મારૂતિનગર-1મા રહેતા 35 વર્ષીય પુરુષ, કાયાજી પ્લોટમાં મોમાઈ કૃપામાં રહેતા 18 વર્ષીય યુવતી અને 20 વર્ષીય યુવાન, કાંતિપૂરમાં રહેતા 24 વર્ષીય યુવાન, ખરેડામાં રહેતા 62 વર્ષીય પુરુષ, રવાપર રોડ પર શ્રી રામ નિવાસમાં રહેતા 38 વર્ષીય પુરુષ અને કામધેનુ પાર્ટીપ્લોટ સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ સામે આવ્યો છે. આ સાથે હળવદમાં ત્રણ કેસ નોંધાયા છે. જેમાં ભીડ ભંજન મંદિર પાસે રહેતા 54 વર્ષીય પુરુષ, ગિરનારીનગરમાં રહેતા 28 વર્ષીય યુવાન અને 50 વર્ષીય મહિલા પણ સંક્રમિત થયા છે.જ્યારે હળવદમાં ગઈકાલે પોઝીટીવ આવેલા બે કેસોની સરકારી ચોપડે હજુ સુધી નોંધ થઈ નથી. વધુમાં વાંકાનેરના હસનપરમાં પણ 54 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જોકે તેમનું આજે જ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આમ આજના દિવસે કુલ આજે 11 કેસ નોંધાયા છે. અને જિલ્લાના અત્યાર સુધીના કેસનો આંકડો 257એ પહોચ્યો છે. વધુમાં આજરોજ બે દર્દીઓનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પણ નીપજ્યું છે. જેમાં ગત તા. 10 જુલાઈના રોજ પોઝીટીવ જાહેર થયેલા મોરબીના વણકરવાસના 55 વર્ષીય પુરુષ અને આજે 27 જુલાઈના રોજ પોઝિટિવ જાહેર થયેલા વાંકાનેરના હસનપરના 54 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજ રોજ 5 દર્દીઓ રિકવર થતા તેમને રજા પણ આપી દેવામાં આવી છે. જેમાં મોરબીની ઘાંચી શેરીના 66 વર્ષીય પુરુષ, વણકરવાસના 60 વર્ષીય પુરુષ, સામાકાંઠે શક્તિ સોસાયટીના 40 વર્ષીય પુરુષ, હળવદના જુના ધનાળા ગામના 45 વર્ષીય પુરુષ અને ટંકારાના હરિપરના 24 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં આજરોજ નવા આવેલા 11 પોઝીટીવ કેસો ઉમેરાતા અત્યાર સુધીમાં નોંધાયેલ કેસનો આંક 257 થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં 148 દર્દીઓ સાજા થયા છે. 19 દર્દીઓના મૃત્યુ થયા છે. અને હાલ 90 કેસ એક્ટિવ છે.