ભાજપના જ ઉમેદવારોએ ફોર્મ ભરતા ઇફકોવાળી થવાના એંધાણ હતા, પણ અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયુંમોરબી : નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. 21 મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. આ પહેલા ઈફ્કોની ચૂંટણીમાં બિનજરૂરી વિવાદ થયો હતો, પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે નાફેડની 21 બેઠકની ચૂંટણી જાહેર થઈ છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે અને તેમાં 21 ડિરેક્ટર આખા દેશમાંથી ચૂંટાઇ છે. આ વખતે ચૂંટણી આગામી 21 મેના રોજ યોજવામાં આવી રહી છે અને તેમાં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હતો. અન્ય 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ થયા છે. આ ચૂંટણીમાં નાફેડના સભાસદ હોય તેવા આખા દેશમાં 556 મતદાર છે અને ગુજરાતમાં કુલ 210 મતદાર છે.ઉલ્લેખનીય છે કે ઈફ્કોના ડાયરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાનો વિજય થયો હતો. ત્યારે એવું કહેવાતું હતું કે, નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં નવાજૂની થઈ શકે છે. નાફેડના ડાયરેક્ટરના એક જ પદ માટે ભાજપ તરફી અનેક ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. જો કે ઇફ્કોની ચૂંટણી પછી ભાજપને ડહાપણ સૂઝ્યું અને નાફેડની ચૂંટણીમાં ઇફકોવાળી ના થાય તેનું ધ્યાન રાખ્યું હતું.ગત ટર્મમાં નાફેડની ચૂંટણીમાં મગન વાડવિયા બિનહરીફ જાહેર થયા હતાખાખરાળા મંડળીના પ્રમુખ અને રાજકોટ જિલ્લા બેંકના ડાયરેક્ટર મગન વડાવિયા 2019માં નાફેડની ચૂંટણીમાં ગુજરાતની મંડળીની બેઠકમાં બિનહરીફ જાહેર થયા હતા. આ વખતે પણ તેઓ ફરી મેદાનમાં હતા. જ્યારે મોહન કુંડારિયાએ આ વખતે પ્રથમ વખત નાફેડમાં ફોર્મ ભર્યું છે. ઇફ્કો ચૂંટણીમાં જયેશ રાદડિયાના સમર્થનમાં મોહન કુંડારિયા હતા માટે આ વખતની ચૂંટણીમાં રાદડિયા જૂથ મોહન કુંડારિયાના સપોર્ટમાં આવ્યું હતું.