મોરબી : ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Group – “D” (Level-1) ની એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે 14 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ 32,438 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જેમાં વેસ્ટર્ન ઝોન અમદાવાદ માટે 4,672 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા શુદ્ધ હેતુથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા મોરબી જિલ્લાની અલગ અલગ ખ્યાતનામ શૈક્ષણીક સંસ્થાઓના સાથ સહકારથી અગાઉ તા.15-6-2025 ને રવિવારના રોજ સવારના 10:30 થી 12 કલાક સુધી જિલ્લામાં ત્રણ જેટલા પરીક્ષા કેન્દ્રો પર વિનામૂલ્યે મોક ટેસ્ટ લેવાનું આયોજન કરેલ હતું. જેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ઉમેદવારો માટે શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, નજર બાગ, ભડિયાદ રોડ, મોરબી ખાતે, વાંકનેર તાલુકાના ઉમેદવારો માટે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રીમતી ઈન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, તાલુકા પંચાયત રોડ, વાંકાનેર ખાતે તથા હળવદ તાલુકાના ઉમેદવારો માટે સાંદીપની ઈંગ્લીશ સ્કૂલ, મોરબી-માળીયા ચોકડી પાસે, હળવદ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. હાલ ગ્રામ પંચાયતોની ચુંટણીઓને તથા તા.15-6-2025ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર લોકરક્ષક સંવર્ગની લેખિત પરીક્ષાને ધ્યાને લઈ જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની તા.15-6-2025ના રોજ યોજાનાર મોક ટેસ્ટ-2 હવે પછી આગામી તા.29-6-2025 ને રવિવારના રોજ અગાઉના નિર્ધારીત આયોજન મુજબ યોજાશે. જે કોઈ પાત્રતા ધરાવતા ઉમેદવારો આ મોક ટેસ્ટ આપવા ઇચ્છતા હોય તો તેઓએ તા.28-6-2025 સુધીમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ ઉપર મુકેલ લીંક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.