વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, જનધન ખાતામાંથી પૈસા ઉપડવા માટે લોકોની લાઈનો લાગી મોરબી : આજે લોકડાઉનના 14 માં દિવસે મોરબીની બેંકોમાં લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. બેંકો બહાર લાંબી લાઈનો લાગતા સામાજિક અંતરનો ભારે અભાવ જોવા મળ્યો હતો. જેમાં વૃદ્ધ પેન્શન, વિધવા સહાય તથા જનઘન ખાતામાંથી પૈસા ઉપડવા માટે લોકોની લાઈનો લાગી હતી. વ્યવસ્થાના અભાવે સામાજિક અંતર જળવાયું ન હતું. મોરબીમાં શનિ-રવિ અને મહાવીર જયંતિની બે દિવસની રજા પુરી થયા બાદ આજે તમામ બેંકો ખુલતાંની સાથે બેંકોની બહાર લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. લોકોએ બેન્કોની બહાર નાણાંકીય વ્યવહાર માટે મસમોટી લાઈનો લગાવી હતી. જેમાં વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, જે રકમ બેંકમાં જમા કરેલી હોય તે જોવા માટે તેમજ ખાતાઓમાં કેટલી બેલેન્સ છે, તેની ખરાઈ માટે લોકોની તમામ બેંકો બહાર આટલી મોટી ભીડ જોવા મળી હતી. અમુક પ્રકારની અફવાની પગલે પણ લોકોની કતારો લાગી હોવાનું જાણવા મળે છે. ભીડને કારણે સામાજિક અંતર જળવાયું ન હતું તે મોટું જોખમ છે. જયારે ખાસ કરીને મોરબી તાલુકાના મકનસર ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં આજે સવારથી જ લોકોની ભીડ જામી હતી અને જનઘન ખાતામાંથી રૂપિયા ઉપડવા માટે લોકોની લાઈનો લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે લોકોની ભીડ ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. લોકો એકબીજાની નજીક ઉભેલા જોવા મળ્યા હતા. જે પોતના માટે અને બીજાના માટે પણ જોખમરૂપ છે. મોરબી શહેર અને તાલુકાની બેંકોમાં ભીડને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/