કંડલા બાયપાસ સર્કલને સ્વામિનારાયણ સર્કલ નામાભિધાન કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વ્યક્ત કરેલ લાગણી મોરબી : મોરબી–માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમાર તથા સ્વ.પુનમચંદભાઈ કોટકની કાયમી યાદગીરી જાળવવા તેમજ કંડલા બાયપાસ સર્કલને સ્વામિનારાયણ સર્કલ નામાભિધાન કરવાની લાગણી વ્યક્ત કરતો એક પત્ર મોરબી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનને પાઠવ્યો છે. મોરબીના સેવાભાવી અગ્રણી સ્વ.ગોકળદાસ પરમાર તેમજ સ્વ.પુનમચંદભાઈ કોટકનું તાજેતરમાં નિધન થયેલ છે. આ બંને મહાનુભાવોએ પોત પોતાના ક્ષેત્રમાં સેવાની ભારે મોટી મૂડી ઊભી કરેલી. સ્વ.ગોકળદાસ પરમાર મોરબીમાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે રહીને તેમજ હોનારત વખતે તેમનું લોકોને ઉપયોગી થવાનું પ્રદાન ઉલ્લેખનીય છે. આમ સમાજ માટે ખાદી પ્રવૃતિ, શિક્ષણ, સતવારા સમાજની ઉનન્તિ, દોશી અને ડાભી શૈક્ષણિક સંસ્થાઓ વિગેરેઓમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. તેજ રીતે સ્વ. પુનમચંદભાઈ કોટકે પણ નગરપાલિકા, મોરબીને પ્રજાલક્ષી શાશન આપવા યોગદાન આપેલ છે. પ્રખર રાષ્ટ્રભક્ત તરીકે તેમણે મોરબીની અનેક સંસ્થાઓને કાર્યરત રાખવા પોતાનું આયખુ ખર્ચી નાખ્યું છે. આ બંને પ્રજા વત્સલ લોક સેવકોની સ્મૃતિ લોક હ્રદયના કાયમ જળવાઈ રહે તે હેતુથી મોરબી નગરપાલિકાની કોઈપણ જાહેર સુવિધાઓ જેવી કે કૉમ્યુનિટી હૉલ, લાઈબ્રેરી, મુખ્યમાર્ગો વિગેરે સાથે તેમના નામાભિધાનો થાય તે ઇચ્છનીય છે. સાથોસાથ કંડલા બાયપાસ પાસે આવેલ અમદાવાદ, વાંસણા સ્વામિનારાયણ મંદિર સંચાલિત નવા નિર્માણ પામી રહેલ મંદિર નજીકના સર્કલને પણ ભગવાન સ્વામિનારાયણ સર્કલ નામાભિધાન થાય તેવી પણ વધુમાં લાગણી વ્યક્ત કરી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પંથકના સ્વામિનારાયણ હરિભક્તો અને સત્સંગ પ્રેમીઓની લાગણીને વાચા આપી છે. તેમજ લોક હ્રદયમાં વસેલા સ્વ.ગોકળદાસ પરમાર અને સ્વ.પુનમચંદભાઈ કોટકના કીર્તિમાન સ્થપાયતે જોવા પણ આગ્રહ સેવ્યો છે.