આ બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર મોરબી : મોરબી-માળીયા (મી.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો તેના પાક વીમાનું પ્રિમિયમ સમયસર ચૂકવે છે પરંતુ ખેડૂતોને આ પાક નિષ્ફળ જવાથી મળવાપત્ર વિમાની રકમ સમયસર મળતી નથી. એક બાજુ ખેડૂતોને તેમનાં ધીરાણની મુદત 31/03/2020 ની હતી પરંતુ વીમો ન મળતાં તે ભરવી શક્ય ન બનેલ. તેમજ પ્રવર્તમાન સ્થિતિમાં આ મુદત 31/05/2020 સુધીની થયેલ. પણ હજુય પાક વીમો મળવાની કોઈ શક્યતા દેખાતી નથી તેવા સંજોગોમાં વધુ બે માસ ધિરાણ ભરપાઈની મુદત વધારવી જોઈએ. તેમ કરીને ખેડૂતોને વ્યાજની ચૂકવણીમાંથી ઉગારી લેવા જોઈએ. વધુમાં, ભારત સરકાર 3% અને ગુજરાત સરકાર 4% વ્યાજ રાહત આપીને શુન્ય દરે ખેડૂતોને ધીરાણ આપવાની બાબતે પણ અસમંજસ પ્રવર્તે છે. જો 31/05/2020 સુધીમાં લોન ચૂકતે નહીં કરે તો ખેડૂતોને 3 લાખના ધીરાણ સામે 22,000નું નુકશાન થવાની સંભાવના જોતા ખેડૂતોને વધુ આર્થિક બોજો વહન કરવો પડશે. એક બાજુ હાલમાં ઘઉં - કપાસના વેંચાણનું બજાર પણ ખેડૂતોને મળતું નથી. કેન્દ્ર સરકાર CCI દ્વારા વધુ કેન્દ્રો ખોલીને ખેડુતોને કપાસના રૂ. 5500નો 1 ક્વિન્ટલનો ભાવ આપવામાં પણ ઠાગાઠૈયા કરે છે તે જોતાં ખેડૂતો ઉપર બેવડો માર પડે છે. આ સ્થિતિમાંથી ઉગારવા તાકિદે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં જરુરી નિર્ણય લેવાય તેમ કરાવવા ધારાસભ્યએ ખેડૂતોના વ્યાપક હિતમાં માંગણી કરી છે.