હળવદ એપીએમસીથી સરા ચોકડી પુરી થાય ત્યાં સુધી ઓવરબ્રિજ બનાવવાની પણ માંગ મોરબી : અમદાવાદ-માળીયા-કચ્છ હાઇવે સિક્સ લેન બનાવવા તેમજ હળવદ શહેર વચ્ચે પસાર થતા અમદાવાદ - કચ્છ હાઇવે પર ભારે ટ્રાફિક જામ રહેતા હળવદ એ.પી.એમ.સી.થી લઈ સરા ચોકડી પુરી થાય ત્યાં સુધી ઓવરબ્રિજ બનાવવા માંગ સાથે ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા- 64 ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ-માળીયા રોડ એ કચ્છનો પ્રવેશ દ્વાર હોવાથી અમદાવાદ-માળીયા-કચ્છ રોડ તરફ દિવસરાત ટ્રાફિકનો પ્રવાહ ચાલતો હોય છે. ઉપરાંત વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં દેશ-વિદેશમાંથી અનેક વેપારીઓ, ઉદ્યોગકારો નિયમિત આવનજાવન કરતા હોય છે. કચ્છમાં સોલ્ટ ઉદ્યોગ અને કંડલા બંદર આવેલ હોવાથી ઉદ્યોગકારો અને ભારે કન્ટેનરોની આવન જાવન આ રોડ પર થતી હોય છે. દેશ-વિદેશમાંથી અનેક વેપારીઓ ઉદ્યોગકારો અમદાવાદ એરપોર્ટથી બાય રોડ મોરબી અને કચ્છ આવવા - જવા માટે આ હાઇવેનો ઉપયોગ કરતા હોય છે. તેથી આ ફોર લેન રોડને સિક્સ લેન બનાવવા તેમજ હળવદ શહેર વચ્ચે અમદાવાદ - કચ્છ હાઇવે પસાર થાય છે. સદર હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિક જામ રહે છે. જેના કારણે વૃદ્ધો, વિદ્યાર્થીઓ તથા રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલીનો સામનો કારવો પડી રહ્યો છે તથા નાના મોટા અકસ્માતો થતા રહે છે આથી હળવદ એ.પી.એમ.સી.થી લઈ સરા ચોકડી પુરી થાય ત્યાં સુધી ઓવરબ્રિજ બનાવવા માંગ કરવામાં આવી છે.