ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજલાઈન નાખવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને ઓછું વળતર ચુકવાતું હોય ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું છે કે, પાવરગ્રીડ કંપની દ્વારા જે વીજલાઈન ખેતરોમાં નાખવામાં આવી રહી છે તેમાં મોરબી જિલ્લામાં આવેલા ગામોના ખેડૂતોને ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો કરતા વધુ વળતર ચુકવવામાં આવે છે. જેથી ધ્રાંગધ્રા તાલુકાના અગ્રણી આગેવાનો અને ખેડૂતોએ વળતર ચુકવવા બાબતે અન્યાય થતો હોવાની રજૂઆતો કરી છે. ધ્રાંગધ્રા તાલુકામાં નેશનલ હાઈવે, નર્મદાની કેનાલ, બાગાયતી ખેતી, સૌની યોજના જેવી વિકાસલક્ષી યોજનાઓ આવવાથી જમીનના ભાવમાં વધારો થયો છે. પરંતુ વીજ લાઈન પસાર થતી હોય જમીનના ભાવમાં ઘટાડો થાય છે. આથી તમામ હકીકતોને ધ્યાને લઈને હળવદ તાલુકામાં જે વળતર ચુકવવામાં આવ્યું છે તે પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને પૂરતું વળતર ચુકવવામાં આવે.