વહીવટીતંત્રમાં આવનારા સંભવિત પરિવર્તનને ધ્યાનમાં લઇને યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને રજુઆતમોરબી : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને 5S અને કાઈઝેનની તાલીમ અંગે વર્કશોપનું આયોજન કરવાની માંગ સાથે ધ્રાંગ્રધા -હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને 5S અને કાઈઝેનની તાલીમ મળી રહે તે માટે વર્કશોપનું આયોજન કરાવવા બાબતે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે,તેમના મત વિસ્તાર ધ્રાંગધ્રા અને હળવદ તાલુકો અનુક્રમે સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લામાં સમાવેશ થાય છે. જાપાની શબ્દ “કાઈ” નો અનુવાદ અંગ્રેજીમાં ‘ગુડ’ અથવા ‘સારું’ અને “ઝેન” નો અનુવાદ ‘ચેન્જ’ અથવા ‘પરિવર્તન’ થાય છે અને સાથે મળીને તેનો અર્થ ‘ગુડ ચેન્જ’ એટલે ‘સારું પરિવર્તન’ અથવા ‘ચેન્જ ફોર બેટર’ અથવા ‘વધુ સારા માટે પરિવર્તન’ અથવા ‘બહેતર માટે પરિવર્તન’ થાય છે. કાઈઝેન એ કાર્યસ્થળ પર સતત સુધારાની જાપાની ફિલસુફી છે. તે વ્યક્તિગત જીવનમાં પણ નોંધપાત્ર પરિણામો પ્રદાન કરેલ છે. તદ્દઉપરાંત 5S (Sort, Set in Order, Shine, Standardize અને Sustain & Self-discipline) સિસ્ટમની તાલીમ સરકારી કચેરીઓના અધિકારી અને કર્મચારી આપવામાં આવે તે સારૂં સરકારના ઘણા વિભાગોમાં આ બાબતે જી.આર. થયેલ છે. સરકારી કચેરીઓના અધિકારી અને કર્મચારી પ્રજા સમક્ષ નીકટતા કેળવી કામગીરી સરળ, સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા તથા નાગરિકોના વહીવટી કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે સારૂં મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને 5S અને કાઈઝેનની તાલીમ મળી રહે તે માટે વર્કશોપનું આયોજન કરાવવા માટે ઘટતી કાર્યવાહી કરાવવાની માંગ કરી છે.