ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી: ખરેડા, વાંકડા, આંદરણા અને નીચીમાંડલ ગામના ખેડૂતોને જૂના જંત્રી દરના બદલે ન્યાયી વળતર આપવા ભલામણમોરબી અપડેટ : મોરબી તાલુકામાંથી પસાર થતા મોરબી બાયપાસ રોડ માટે ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આ જમીન સંપાદનમાં ખેડૂતોને વર્તમાન જંત્રીના દર મુજબ વળતર આપવાનું નક્કી થયેલ હોવાનું જાણવા મળતા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મોરબી કલેક્ટરને પત્ર લખી ખેડૂતોને વર્તમાન બજાર કિંમત મુજબ યોગ્ય વળતર આપવા સચોટ રજૂઆત કરી છે.ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકાના ખરેડા, વાંકડા, આંદરણા અને નીચીમાંડલ ગામમાંથી મોરબી બાયપાસ રોડ પસાર થવાનો હોવાથી આ ગામના ખેડૂતોની કિંમતી ખેતીની જમીનો જમીન સંપાદન હેઠળ આવનાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોરબી તાલુકા વિસ્તારના કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. નવા રસ્તાઓ, નર્મદા કેનાલ દ્વારા પાણીની ઉપલબ્ધતા તથા સૌની યોજના અંતર્ગત તળાવો ભરાવાના કારણે સિંચાઈની સુવિધામાં મોટો વધારો થયો છે.પૂરતા પ્રમાણમાં મળતી સુવિધાઓના કારણે ખેડૂતો હવે ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકોના વાવેતર તરફ વળ્યા છે, જેના પરિણામે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે અને ખેતીની જમીનની ઉત્પાદકતા તથા વાસ્તવિક બજાર કિંમતમાં પણ અનેકગણો વધારો થયો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો જૂના જંત્રીના દરના આધારે જમીન સંપાદન કરવામાં આવે તો ખેડૂતોને તેમની જમીનની વર્તમાન વાસ્તવિક કિંમતની સરખામણીમાં અપૂરતું વળતર મળવાની સંભાવના છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોના સમગ્ર આર્થિક ભવિષ્યને આ બાબત અસર કરી શકે છે.ખેડૂતો માટે જમીન માત્ર મિલકત નથી પણ તેમના પરિવારની આજીવિકાનો આધાર છે. તેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને જમીન સંપાદન સમયે વર્તમાન વાસ્તવિક બજાર કિંમતને ધ્યાનમાં લઈ યોગ્ય અને ન્યાયસંગત વળતર નક્કી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FarmersIssue #LandAcquisition #MorbiBypass #TankaraMLA #GujaratNews