હળવદ તાલુકાના 4 ગામોની જમીનનું થશે સંપાદન, ખેડૂતોએ રૂબરૂ મળીને રજુઆત કરતા પ્રકાશ વરમોરાએ તુરંત કલેકટર અને સાંસદને લેખિત રજુઆત કરીમોરબી અપડેટ : મોરબી બાયપાસ રોડની કામગીરી માટે હળવદ તાલુકાના 4 ગામોમાંથી જમીન સંપાદન કરવામાં આવનાર છે. આ જમીન સંપાદન મામલે ખેડૂતોને જૂના જંત્રી દરને બદલે વર્તમાન બજાર કિંમત મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડુતોએ 64-ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને રજુઆત કરી હતી. આ રજૂઆતને પગલે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તુરંત આ મામલે મોરબી કલેક્ટર અને સાંસદને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી બાયપાસ રોડ હળવદ તાલુકાના રતાભે, શિવપુર, ડુંગરપુર અને માણેકવાડા ગામોમાંથી પસાર થવાનો છે. આ 4 ગામોના ખેડૂતોની કિંમતી ખેતીની જમીન સંપાદન હેઠળ આવનાર છે. હાલ આ જમીન સંપાદન માટે ખેડૂતોને જૂના જંત્રીના દર મુજબ વળતર આપવાનું નક્કી થયેલ હોવાનું જાણવા મળ્યું છે, જે ખેડૂતો માટે અન્યાયકર્તા છે. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હળવદ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. નર્મદા કેનાલ અને સૌની યોજનાના કારણે સિંચાઈની સુવિધા વધતા ખેડૂતો હવે દાડમ, ડ્રેગન ફ્રૂટ અને લીંબુ જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા બાગાયતી પાકો તરફ વળ્યા છે. જેનાથી ખેતીની જમીનની ઉત્પાદકતા, ઉપયોગિતા અને વાસ્તવિક બજાર કિંમતમાં અનેકગણો વધારો થયો છે. જો જૂના જંત્રી દરના આધારે વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતોને અપર્યાપ્ત વળતર મળશે અને તેમના આર્થિક ભવિષ્યને અસર થઈ શકે છે.જમીન એ ખેડૂત અને તેના પરિવારની આજીવિકાનો મુખ્ય આધાર છે. વર્ષોથી મહેનત કરીને વિકસાવેલી અને આજે ઊંચી ઉત્પાદન ક્ષમતા ધરાવતી જમીન જો જૂના કે ઓછા જંત્રી દરે સંપાદિત કરવામાં આવે તો તે વ્યાજબી નથી. તેથી ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી જમીન સંપાદન સમયે વર્તમાન વાસ્તવિક બજાર કિંમતને ધ્યાનમાં લઈ યોગ્ય અને ન્યાયસંગત વળતર નક્કી કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. #MorbiUpdate #MorbiNews #Halvad #Farmers #LandAcquisition #PrakashVarmora #MorbiBypass #GujaratNews #Agriculture