હળવદ : રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત માગ કરી છે.ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, ધ્રાંગધ્રા અને હળવદના ખેડૂતોએ બાગાયતી ખેતી દ્વારા દાડમ, લીંબુ, જામફળ, ખારેક, ડ્રેગનફ્રુટ વગેરેનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. તાજેતરમાં થયેલા અતિભારે વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને બાગાયતી પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ નુકસાનના વળતર માટે સહાયની માગણી કરી છે. આ ઉપરાંત હળવદ તાલુકામાં આવેલા વિવિધ બ્રિજ/પુલ જેવા કે દીઘડીયા પુલ, મયુરનગર પુલ, કોયબા પુલ અને ઘણા-રણમલપુર બ્રિજ તૂટી જવાથી આ ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અનેક રોડ રસ્તા તૂટી જવા પામ્યા છે. ત્યારે આ બાબતે હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાં વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે અને તૂટી ગયેલા રોડ/બ્રિજ/પુલનું સત્વરે રિપેરિંગ કરાવવામાં આવે તેવી માગ કરાઈ છે.