મોરબીથી દોડતા ગ્રામ્ય રૂટ ફરી શરૂ કરાયા સાંજે રાજકોટની ફ્રિકવંશી વધારવામાં આવશે મોરબી : મોરબી બસ ડેપો દ્વારા કોરોનાના સંક્રમણ વખતે બંધ કરવામાં આવેલ બસ રૂટો હવે જ્યારે પરિસ્થિતી રાબેતા મુજબની થઈ રહી છે ત્યારે બસ રૂટો પુનઃ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો થતાં વિભાગીય નિયામક–રાજકોટને તાકીદનો પત્ર પાઠવી મોરબી ડેપોના કોરોના કાળમાં સ્થગિત કરાયેલ બસ રૂટો તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરેલી હતી. તે પૈકી મોરબી–ભાવપર, મોરબી–મોટા દંહીસરા–ચમનપરના સવારના બસ રૂટો ચાલુ કરી દેવામાં આવ્યા છે. પરંતુ બાકીના બસ રૂટો પણ તાકીદે ચાલુ થાય તે માટે પુનઃ સૂચના આપવામાં આવી છે. મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ વિભાગીય નિયામકને લેખિત પત્ર પાઠવી મોરબી–રાજકોટ વચ્ચે અગાઉ ઈન્ટરસિટી બસ સુવિધા ઉપલબ્ધ્ધ હતી. તે કોરોના કાળ દરમિયાન સ્થગિત કરવામાં આવેલી તે બસ સેવા પણ પુરતી માત્રામાં પુનઃ ચાલુ થાય તેમ કરવા માટે વિભાગીય નિયામકને તાકીદ કરવામાં આવી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે મોરબી – રાજકોટ વચ્ચે મુસાફરોનો ટ્રાફિક વધુ રહેતો હોય આ ઈન્ટરસિટી બસ સુવિધા પૂરતી માત્રામાં ચાલુ કરવી જરૂરી હોવાનું ભાર પૂર્વક જણાવાયુ છે. વધુમાં ધારાસભ્ય દ્વારા એસટી વિભાગને જણાવાયુ છે કે, ઈન્ટરસિટી બસ સુવિધા ચાલુ ન હોવાને લીધે મુસાફરોને ન છૂટકે ખાનગી વાહનોમાં મોરબી – રાજકોટ વચ્ચે મુસાફરી કરવી પડે છે. જેમાં ઘણી વખત જાનનું પણ જોખમ રહે છે અને આર્થિક રીતે પણ વધુ શોષાવું પડે છે. તો વિના વિલંબે મોરબી – રાજકોટ વચ્ચે ઈન્ટરસિટી બસ સુવિધા અગાઉના ધોરણે પુનઃ ધબકતી થાય તેમ ઝડપભેર કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું તેમની યાદીમાં જણાવાયું છે.