અધિકારીઓને રજુઆત કરવા છતાં પાણી ન પહોંચતા બાજે કેનાલમાં પાણી બગાડ અટકાવવા મેદાને આવશે મોરબી : ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લાની ત્રણેય મુખ્ય કેનાલમાં પાણી છોડવા મંજૂરી આપી હોવા છતાં અધિકારીઓ ઢાંકીથી મોરબી સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ નિવડતા આજે ધારાસભ્ય કાંતિલાલ હળવદથી કાર્યકર્તાઓ સાથે કેનાલ ઉપર પ્રવાસ કરી પાણી બગાડ અટકાવી ખેડૂતો સુધી વહેલી તકે પાણી પહોંચે તે માટે પ્રયત્ન કરશે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ગઈકાલે રાત્રે એક વીડિયો સંદેશ જાહેર કરી જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખરીફ સીઝનમાં ખેડૂતોને આગોતરા આયોજન માટે મોરબી જિલ્લાની ત્રણેય મુખ્ય કેનાલમાં પાણી છોડવા મંજૂરી આપી હોવા છતાં નર્મદાના અધિકારીઓ ઢાંકીથી મોરબી સુધી પાણી પહોંચાડી શક્યા નથી. વધુમાં કાંતિલાલ અમૃતિયાએ ઉમેર્યું હતું કે, મોરબીના ખેડૂતોને હવે 15 દિવસમાં આગોતરું વાવેતર કરવું આવશ્યક બન્યું છે ત્યારે કેનાલમાં નર્મદાના નીર મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, પોલીસ વડા અને ઢાંકી પંપિંગ સ્ટેશનના અધિકારીઓને રજુઆત કરી સૂચના આપવા છતાં હજુ સુધી પાણી ન આવતા આજે શનિવારે ધારાસભ્ય કાંતિલાલ કાર્યકર્તાઓની ફૌજ સાથે હળવદથી ત્રણેય કેનાલની જાત મુલાકાત લઈ બકનળી, કેનાલ ઉપર મુકાયેલ ગેરકાયદે મશીનો હટાવી મોરબી સુધી પાણી પહોંચાડવામાં આવતા અંતરાયો દૂર કરશે. આ વીડિયોમાં તેઓએ અધિકારીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ખેડૂતોના હિતમાં તેઓ મેદાને ઉતરનાર હોવાનું જણાવ્યું હતું.