પાલિકામાં કોન્ટ્રાકટ અને લાલીયાવાડી બંધ થઈ એટલે ગટરમાં ગોદડા, પથ્થરો નાખીને પાલિકાને બદનામ કરતા તત્વો હવે ચેતી જાય, પકડાઈ જશો તો ખેર નહિ રહે, મોરબી : મોરબીના ધારાસભ્ય અમૃતિયા નગરપાલિકાને બદનામ કરનાર તત્વો સામે કાળઝાળ થયા હતા. તેઓએ કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા અત્યારે ગટરની સફાઈ સહિતના કામો ચાલતા હોય એ દરમિયાન ગટરમાંથી ગોદડા, પથ્થરો, કોથળા નીકળ્યા હતા. નગરપાલિકામાં કોન્ટ્રાકટ બંધ થયા અને લાલીયાવાળી બંધ થઈ હોવાથી અમુક તત્વોના પેટમાં તેલ રેડાયું હોય એમ આ રીતે નગરપાલિકાને બદનામ કરે છે. આવા તત્વો હજુ સુધરી જાય નહિતર પકડાઈ જશે તો ખેર નહિ રહે. સાથે જ તેઓએ પાલિકાના પૂર્વ સત્તાધીશોએ ઢોરવાળા તેમજ લાઈટ કૌભાંડ કર્યા હોય તે મામલે મુખ્યમંત્રી પાસે તપાસ માંગી હોવાનું જણાવતા ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વધુ એક નવો વીડિયો સંદેશ જાહેર કરી જણાવ્યું હતું કે, તેઓએ ગાંધીનગર ખાતે બે ત્રણ દિવસમાં વિકાસ કામોની મીટીંગ દરમિયાન મોરબી શહેરના વિકાસ કામોના મુદા ઉઠાવ્યા હતા અને મોરબીની એલઇ કોલેજનું રીનોવેશન કરવું તેમજ ઉધગોના મજુર થયેલા રોડ રસ્તાના કામો યોગ્ય રીતે થાય તેમજ મોરબીના અન્ય ઘણા નાના મોટા કામો કરવાના થતા હોય તેની ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવ્યા છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, હાલ નગરપાલિકા દ્વારા ગટરની સફાઈની કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન ગટરમાંથી ગોદડા, કોથળા, ગાભા, પથ્થરો સહિતની મોટી વસ્તુઓ નીકળી છે. અમુક તત્વો ગટર ચોકઅપ કરીને નગરપાલિકા અને તેમને બદનામ કરે છે તેઓને ખબર નથી કે, કામ કરવામાં નગરપાલિકા, ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો થાકવાના નથી. નગરપાલિકામાં કોન્ટ્રાકટ બંધ થઈ ગયા હોય લાલીયાવાડી બંધ થવાથી અમુક તત્વોના પેટમાં તેલ રેડાયું હોય એમ આ રીતે ગટરમાં ગોદડા, પથ્થરો નાખીને નગરપાલિકાને બદનામ કરે છે. તેમજ તેઓએ મોરબીની જનતાને ખાતરી આપતા કહ્યું હતું કે, અત્યારે ગટરની સફાઈ અને રોડના ખાડા બુરવા તેમજ પેચવર્કના કામો ચાલે છે તે નોર્મલ છે અને બે મહિના પછી મોરબીમાં દરેક વિકાસના કામોમાં ગતિ આવશે. પાણી, લાઈટ, નવા રસ્તા સહિતના તમામ કામો કરવા માટે આયોજન થઈ ચૂક્યું છે. વધુમાં અમૃતિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પાસે તેઓએ ઢોર અને લાઈટ સહિતના જે ખોટા કામો થયા હોય એની તપાસ કરવાની માંગણી કરી છે. એટલે ધીમેધીમે તપાસ પણ થશે અને મોરબીમાં ધીમેધીમે સારા કામો પણ થશે. તેઓએ કડક ભાષામાં કહ્યું હતું કે ગટરમાં ગોદડા, પથ્થરો નાખીને અમને બદનામ કરવાનું બંધ કરો નહિતર પકડાશો તો છોડીશું નહિ અને હવે નગરપાલિકાને લૂંટવાનું ભૂલી જાવ, લૂંટવાનું હતું એ લૂંટી ગયા હવે નગરપાલિકા પારદર્શક રીતે કામ કરશે. પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને પ્રજાના પૈસા વિકાસમાં કામોમાં યોગ્ય રીતે વપરાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. વડાપ્રધાનના રૂપિયો મોકલુ અને રૂપિયો વપરાય એ ટાઈપના મોરબી જિલ્લામાં ઘણા બધા કામો થઈ રહ્યા છે તેમાં અમુક તત્વોના પેટમાં તેલ રેડાયું હોય એમ બદનામ કરવા આવા અખતરા કરે છે. આવા તત્વો સામે લડવા તૈયાર છે અને દુશ્મન વધે છે. પણ દુશ્મન એટલે વધે કે મોરબીમાં સારા માણસો તેમજ બહાર રાજ્યના સારા માણસો યોગ્ય રીતે અને શાંતિથી કામ કરી શકે તે માટેના પ્રયત્નો કરીએ છે અને બહારના અમુક ખોટા ધંધા કરતા હોય એ પણ હવે સુધરી જાય નહિતર કાયદો એમને નહિ છોડે, પોલીસ પણ સારી રીતે કામ કરતી હોવાનું કહીને તેઓએ સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને બંધ કરાવ્યું તેમજ સારા અને સાચા સ્પાને તેમનો સ્પોર્ટ છે. પણ સ્પામાં ખોટા ધંધા ચાલે છે તેનો તેમને વિરોધ હોવાનું અંતમાં જણાવ્યું હતું.