મોરબી : આજરોજ મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ પર આવેલી સરદારનગર 1, 2 અને ધર્મવિજય સોસાયટીના રહેવાસીઓ ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને તેઓના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને આ વિસ્તારમાં વરસાદના અને ગટરના પાણી ભરાઈ રહેતા હોવાનું જણાવ્યું હતું. રહીશોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને જણાવ્યું હતું કે, રોડ તૂટી ગયેલો હોવાથી અહીંયા વરસાદના પાણી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલા રહે છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.જેથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોની રજૂઆત સાંભળીને તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની અને પાણી પુરવઠાના અધિકારીને સાથે રાખી સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી હતી અને નવી લાઈન નાખીને ઉપર રોડ બનાવવા સૂચના આપી હતી અને હાલ પાણી ભરાય છે તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની સૂચના આપી હતી. આમ સમસ્યાનું તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ થાય તે માટે જરૂરી સૂચનાઓ કાંતિભાઈ અમૃતિયા દ્વારા આપવામાં આવી હતી.