ધારાસભ્ય અમૃતિયાએ કોન્ટ્રાકટરને નાણા ચુકવવાની ખાતરી આપતા ફરીથી 11 સીટી બસો દોડવા લાગી મોરબી : મોરબી પાલિકા તંત્રએ સીટી બસના કોન્ટ્રાક્ટરને નાણાં નહિ ચૂકવતા હવે કોન્ટ્રાકટર સીએનજી ગેસના બીલના પૈસા પણ ન ચૂકવી શકતા મોરબીના લોકો માટેની સસ્તા ભાડાની સીટી બસના પૈડાં થંભી ગયા હતા.ત્યારે ધારાસભ્ય અમૃતિયાએ કોન્ટ્રાકટરને નાણા ચુકવવાની ખાતરી આપતા ફરીથી 11 સીટી બસો દોડવા લાગી છે. સીટી બસ શરૂ થવાથી લોકોએ રાહતનો દમ લીધો છે. મોરબી પાલિકાએ સીટી બસના કોન્ટ્રાકટરને રાતી પાઈ પણ ન ચુકવતા છેલ્લા ત્રણ દિવસથી મોરબીની સીટી બસ સેવાને સજ્જડ બ્રેક લાગી ગઈ હતી. મોરબીમાં એક માત્ર પાલિકાની સારી કહી શકાય તેવી સીટી બસ સેવા બંધ થવા અંગે પાલિકાના સીટી બસ કોન્ટ્રાક્ટરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા બીલના નાણાં ચુકવવામાં આવ્યા નથી. બીજી તરફ સીએનજીથી ચાલતી બસમાં ઉધારમાં ગેસ પુરવામાં આવતો હતો પરંતુ હવે ગેસના પમ્પ ધારકે ઉધારમાં ગેસ પુરવાની ના પાડતા હાલમાં સીટી બસ સેવા બંધ કરવામાં આવી હતી. આથી લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આ બાબતની જાણ થતાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરી નગરપાલિકા તરફથી પેમેન્ટ ચુકવવાની કોન્ટ્રાકટરને ખાતરી આપતા ફરીથી સીટી બસ સેવા શરૂ થઈ છે અને નિર્ધારિત રૂટ ઉપર ફરીથી સીટી બસ દોડવા લાગી છે.